ઈથર
Appearance
ઈથર એક એવા કાર્બનિક સંયોજનોનો સમૂહ છે કે જેમાં બે કાર્બન પરમાણુઓ કે કાર્બનિક સમૂહો વચ્ચે ઑક્સીજન પરમાણુ અંત:પ્રકીર્ણિત હોય છે. આ વર્ગના સંયોજનોનું સામાન્ય સૂત્ર R–O–R′ છે, જ્યાં R અને R′ હાઇડ્રોકાર્બન અથવા ઍરોમેટિક હાઇડ્રોકાર્બન સમૂહ દર્શાવે છે.[૧]
નામકરણ
[ફેરફાર કરો]ઈથર શબ્દ ગ્રીક શબ્દ 'aither' ઉપરથી આવ્યો છે, જેનો અર્થ 'ચોખ્ખું આકાશ' અથવા 'હવા' થાય છે. સામાન્ય ઈથર અતિશય બાષ્પશીલ હોઈ આ નામ પાડવામાં આવ્યું હતું. સાદા ઈથરમાં બંને સમૂહો (R–O–R માંના બંને R) સમાન હોય છે, જ્યારે મિશ્ર ઈથરમાં તે ભિન્ન (R–O–R′) હોય છે. આ સમૂહોનાં નામ ઉપરથી ઈથરનું નામકરણ થાય છે. દાખલા તરીકે:[૧]
- સાદા ઈથર: ડાઇમિથાઇલ ઈથર (CH3OCH3) અને ડાઇઇથાઇલ ઈથર (CH3CH2OCH2CH3).
- મિશ્ર ઈથર: મિથાઇલ ઇથાઇલ ઈથર (CH3OCH2CH3) અને મિથાઇલ ફિનાઇલ ઈથર (C6H5-O-CH3).
ઉપયોગો
[ફેરફાર કરો]- દર્દીને વાઢકાપ દરમિયાન બેભાન કરવા ડાઇઇથાઇલ ઈથરનો ઉપયોગ થાય છે. ૧૦ ઑક્ટોબર ૧૮૪૯ના રોજ વિલિયમ મૉર્ટને ઍબટ નામના દર્દીને ઈથર વડે બેભાન બનાવ્યો હતો અને ડૉ. જોન સી. વૉરેને દર્દીના જડબા ઉપરની ગાંઠ પીડા વગર દૂર કરી હતી.
- ડાઇઇથાઇલ ઈથર, આઇસોપ્રોપાઇલ ઈથર અને ટેટ્રાહાઇડ્રોફ્યુરેન કાર્બનિક પદાર્થોના નિષ્કર્ષણ માટે અગત્યના દ્રાવકો છે.
- ડાઇફિનાઇલ મિથેન અને ડાઇફિનાઇલ ઈથરની વાસ ગુલાબ જેવી હોઈ સુંગધીદાર પદાર્થોની બનાવટમાં તે વપરાય છે.
- ડાઇફિનાઇલ મિથેન અને ડાઇફિનાઇલ ઈથરનું મિશ્રણ ઉદ્યોગોમાં ઉષ્માસ્થાનાંતરણના માધ્યમ તરીકે વપરાય છે.
- -–ડાઇક્લોરોમિથાઇલ ઇથર પ્રથમ વિશ્વયુદ્ધમાં અશ્રુવાયુ તરીકે વપરાયું હતું.
- ઈથિલીન ઑક્સાઇડ તથા પ્રોપીલીન ઑક્સાઇડનું પેટ્રોરસાયણ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં વપરાય છે; કારણ કે તે વિવિધ પ્રકારનાં ઉપયોગી રસાયણોની બનાવટમાં અગત્યનું મધ્યસ્થી છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર (2014). "ઈથર". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (3rd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૦૮–૮૦૯. ISBN 978-93-83975-03-7.