લખાણ પર જાઓ

ભાઈબીજ

વિકિપીડિયામાંથી
ભાઈબીજ
આધિકારિક નામભાઈબીજ, ભાઈદુજ
અન્ય નામકારતક સુદ બીજ
અનુયાયીહિંદુઓ, ભારતીય
તિથિકારતક માસના શુક્લ પક્ષની બીજ
ઉદેશ્યબધાની કામના પૂર્ણ થાય
ભાઈ દુજ

ભાઈબીજકારતક સુદ બીજના દિવસે આવતો હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.

ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક માં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે. અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા એવી માન્યતા છે ત્યારથી જ આ પર્વ મનાય છે.

ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ. અને આ માન્યતા છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની પવિત્ર જોડીનો.

આજે ભાઈબીજ એટલે કે યમ દ્રિતીયા, આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘરે ભોજન કરેલુ અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. જે ભાઇઓ ભાઇબીજના દિવસે પોતાની બહેનને ત્યા જમશે તે નરકનુ બારણું નહીં જુએ. ભાઇ રોગી હોય્,અથવા તો બહેનના ઘરે જવાનુ ના બને તો આ ભાઇબીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલુ જ ફળ મળે છે. એવી માન્યતા રહેલી છે.

આ દિવસે બહેન ભાઈને પોતાના ઘેર જમવા બોલાવે છે. ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યુ બહુ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા,મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે.

આ દિવસે બહેન પોતાના ભાઈને મનગમતી રસોઈ બનાવીને ભાઈને એ અહેસાસ કરાવે છે કે આજે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલો જ પ્રેમ છે અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટ ની કીંમત​ મહત્વની નથી હોતી, મહત્વનું તો હોય છે એક ભાઈનું બહેનના ઘરે આગમન. બહેન તો પિયર અવાર-નવાર જતી હોય છે. પણ ભાઈનું પરીવાર સહિત જવું એવુ તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. આમ પણ લોકોની માન્યતા કે દીકરીના ઘરે વધુ ન જવાય, ન ખવાય વગેરેને કારણે પણ પિયરિયાઓ કારણ વગર જવાનું ટાળતા હોય છે. આ ધાર્મિક પરંપરાને કારણે બહેન હકથી ભાઈને પોતાની ઘરે જમવા બોલાવી શકે છે.

રક્ષાબંધનના દિવસે દરેક બહેનને ભાઈને ઘરે જવાનો અધિકાર મળે છે અને ભાઈબીજના દિવસે ભાઈને બહેનની ઘરે જવાનો. આ બંધનની વચ્ચે આ બે તહેવારો દરમિયાન કોઈ પણ વિધ્ન આવી શકતુ નથી. એવી માન્યતા છે. ભાઈ-બહેનંનું સરખું જ મહત્વ, કોઈને અન્યાય નહી. આવા તહેવારોને કારણે જ તો ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]